રાજકોટમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ બિસ્માર

રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પણ 19 જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની અને માર્ગો પર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે. 26 જુલાઈના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ ફિલ્ડમાં ઉતરીને ત્રણેય ઝોનની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. નાગરિકોની ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા કડક આદેશ અપાયા છે.

પમ્પિંગ મશીનરી તૈનાત અને કંટ્રોલ રૂમની ફરિયાદોનો ત્વરિત નિકાલ મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો, સ્ક્રીન ચેમ્બર અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનની તપાસ કરી હતી. જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યાં પમ્પિંગ મશીનરી અને વધારાનું માનવબળ તૈનાત કરવા તેમજ સ્ક્રીન ચેમ્બર અને ડ્રેનેજ લાઈનમાંથી કચરાનો અવરોધ સતત સાફ કરતા રહેવાની તાકીદ કરી હતી.

ફાયર બ્રિગેડે 19 સ્થળે વૃક્ષો હટાવી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા બે દિવસ દરમિયાન ફ્લડ કન્ટ્રોલરૂમને શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 19 સ્થળે ઝાડ પડવાની ફરિયાદો મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષો હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જેમાં લીમડાચોક, હાથીખાના, બેડીપરા, ગીત ગુર્જરી મેઇન રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *