રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસના વિરામ બાદ મધરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ધોરાજી શહેરના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શહેર ઉપરાંત ભૂતવદ, ફરેણી, તોરણીયા, ભોળા, નાની મારડ, મોટી મારડ તેમજ જામકંડોરણા રોડ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ખેતરોમાં પાણીની આવક થતાં વાવેતર કરેલા પાકને જીવનદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી વરસાદ બંધ રહેતા તેમની ચિંતા વધી રહી હતી. જોકે, મધરાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદે ખેતી માટે નવી આશા જગાવી છે. ધરતીપુત્રોમાં ખુશી છવાઈ ગઈ છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહે તેવી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે.