આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે મળેલી સિરીઝ હાર બાદ ભારતીય T20 ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની સિરીઝ માટે હરારે પહોંચી ગઈ છે. આજે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી T20I સાંજે 4:30 વાગ્યાથી રમાશે. જ્યારે ટૉસ સાંજે 4:00 વાગ્યે થશે.
કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ પ્રવાસ T20 આંતરરાષ્ટ્રીય આગેવાનીમાં પોતાને સાબિત કરવાની ઉત્તમ તક છે. IPL 2026 પછી કેપ્ટનશીપ સંભાળનાર અય્યર માટે છેલ્લો થોડો સમય પડકારજનક રહ્યો છે, જોકે બેટર તરીકે તેમનું બેટ સતત રન બનાવી રહ્યું છે. સંજુ સેમસનની ગેરહાજરીમાં ભારતના ટોચના ક્રમનું પ્રદર્શન જોવા જેવું રહેશે. તો બીજી તરફ નવા ઝડપી બોલરોની ચોકડી પણ આ પ્રવાસ પર સૌનું ધ્યાન ખેંચશે.
ટોચના ક્રમમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશી પાસે T20 આંતરરાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરવાની શાનદાર તક રહેશે. આ વર્ષની શરૂઆતમાં અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે મેચ જીતાડનારી ઇનિંગ્સ રમનારા સૂર્યવંશીને આ સિરીઝની ત્રણેય મેચમાં તક મળવાની પૂરી શક્યતા છે. ઇંગ્લેન્ડ સામે પોતાની શરૂઆતી ઇનિંગ્સમાં તે જોફ્રા આર્ચરના શોર્ટ બોલ સામે થોડો પરેશાન દેખાયો હતો, જેને ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝારાબાની અને રિચર્ડ નગારાવા વટાવવાનો પ્રયાસ કરશે.