રણુજા મંદિરમાં વૃધ્ધાનો રૂ.1 લાખનો સોનાનો ચેન, બાલાજી મંદિરમાં બાળકના ગળામાંથી પેન્ડલ સેરવી લેવાયુ

રાજકોટના કોઠારીયા રોડ ઉપરના રણુજા મંદિરમાં દર્શન કરવા ગયેલા વૃધ્ધાનો રૂ.1 લાખની કિંમતનો સોનાનો ચેન અજાણ્યો સેરવી ગયો હતો તો ભુપેન્દ્ર રોડ ઉપરના બાલાજી હનુમાનજી મંદિરમાં પરિવાર સાથે પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભેલા બાળકનું સોનાનું પેન્ડલ અજાણી સ્ત્રી સેરવી લેતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે મંદિરમાં ભક્તોને નિશાન બનાવતા ચોરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટના કોઠારીયા મેઈન રોડ ઉપર રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જીતેન્દ્રસિંહ ઝાલાએ આજીડેમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત 16 જુલાઈના 17.45 વાગ્યાની આસપાસ 60 વર્ષીય માતા લીલાબા ઝાલા રણુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા તે દરમિયાન ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે માતાએ ગળામાં પહેરેલો રૂ.1 લાખની કિંમતનો સોનાનો દોઢ તોલાનો ચેન સેરવી લીધો હતો.

અજાણી સ્ત્રી ભીડનો લાભ લઈ સોનાનુ પેન્ડન્ટ સેરવી ગઈ જ્યારે બીજા બનાવમાં શહેરના શીતલ પાર્ક પાસે ક્રિસ્ટલ હાઇટ્સમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા 31 વર્ષના યુવાન ચેતનભાઇ સરવૈયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અજાણી મહિલાનું નામ આપ્યું છે. પોતે તેના પત્ની તથા દીકરા સાથે ગત તા.13 જુલાઈના રાત્રીના 8 વાગ્યે બાલાજી હનુમાનજી દાદાના મંદીરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે પ્રસાદ લેવા માટે લાઇન ઉભા રહ્યા હતા. જે દરમિયાન દીકરાને નીચે ઉભો રાખ્યો હતો ત્યારે મંદીરમા ભીડનો લાભ લઇ એક અજાણી સ્ત્રી દીકરા હર્ષીલના ગળામા કાળી દોરીમા પહેરેલ સોનાનુ રૂ.25 હજારની કિંમતનું “ઓમ” લખેલું પેન્ડન્ટ સેરવી ગઈ હતી. જે અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલાને મામાજીની દીકરી, તેના પતિ – સાસુએ માર માર્યો રાજકોટના હડમતીયા ગોલીડા ગામે રહેતા 22 વર્ષીય કશીસબેન રવિગીરી ગૌસ્વામીએ આજીડેમ પોલીસ મથકમાં આ જ ગામમાં રહેતા હિતેશ ભુપતભાઈ હુંબલ, લીપ્સાબેન હિતેશભાઈ અને ભાવનાબેન ભુપતભાઈ હુંબલ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત 16 જુલાઈના 18.30 વાગ્યે દક્ષાબેન વિનોદભાઈ સાથે હતા ત્યારે મામાજીની દીકરી લિપ્સાબેન અને તેની સાથે પ્રેમ લગ્ન કરતા હિતેશભાઈ હુંબલ ત્યાં આવ્યા હતા અને તેની સાથે તેના માતા ભાવનાબેન હુંબલ પણ આવ્યા હતા. જે બાદ કહ્યું હતું કે તમે મારી પત્નીને ગામમાં કેમ સામે મળવાની ના પાડો છો ? આમ કહી બોલાચાલી કરી ગાળો આપી હતી અને એક પાટુ મારી દીધી હતી અને ત્યારબાદ લાકડીનો એક ઘા જમણા પગે મારી દેતા કશીશબેનને ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી. આ સાથે જ કહ્યું હતું કે જો તું મને ગામમાં મળીશ તો જાનથી મારી નાખીશ. જોકે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસતા ચક્રો ગતિમાન કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *