ભાયાવદરમાં થોડા સમય પહેલાં જ બનાવવામાં આવેલા સીસી રોડ પર મસમોટા ગાબડાં પડવા લાગતાં આબરૂ જવાની બીકે પાલિકાએ રાતોરાત બુરાણ કરી દીધું અને થોડા સમયમાં જ એ બુરાણ તો ઉખડી ગયું, સામે નવા ખાડા ઉજાગર થતાં લોકો હવે આ રસ્તો જ નવા બનાવવા માગણી ઉઠવા પામી છે.
ભાયાવદરમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલો નવો રોડ ભ્રષ્ટાચારના લીધે મરણપથારી પર આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે.અને આની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વેપારીઓ અને શહેરના લોકોએ માંગણી ઉઠાવી છે. કારણકે ચાર જ મહિનામાં આ રોડ ચિંથરેહાલ બની ગયો હતો.
ભાયાવદરમાં આજથી આશરે ચાર માસ પહેલા 1.25 કરોડના ખર્ચે આશિષ પાનથી સરદાર પટેલ ચોક સુધી પાલિકાએ નવો સીસી રોડ બનાવ્યો હતો. આજ નવો રોડ જ્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે એક જ મહિનામાં કામ કેવું થયું છે તે જગજાહેર બની ગયું હતું.
ઠેકઠેકાણે રોડ બેસી જવો, સિમેન્ટ ઉખડી જવો, અંદરથી ધૂળ અને કપચી દેખાઇ જવી , મસમોટા ખાડા પડવા જેવા નજરાણાં સામે આવી ગયા હતા. જે અંગે દેકારો થતાં પાલિકાએ મધરાતે સમારકામ હાથ ધરવું પડ્યું હતું, હજુ આટલું ઓછું હોય તેમ એ સાંધા જ ફરી ખુલી ગયા હતા અને તાજેતરમાં જ બુરવામાં આવેલા અને નવા બનેલા બન્ને ગાબડાં ફરી ઉજાગર થઇ ગયા હતા.
આથી હવે આ વિસ્તારના વેપારીઓ અને લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ આખો સીસી રોડ ફરી ખોદીને બનાવવામાં આવે અને ભ્રષ્ટાચાર રૂપી આ રોડની સરકાર દ્વારા તપાસ કરવામાં આવે.