રાજકોટની પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE-2009) હેઠળ અભ્યાસ કરતી ધો.4ની બે વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ, ગેરકાયદેસર રીતે ફી માંગવા અને માનસિક હેરાનગતિ કરવા અંગે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જોકે, આ મામલે સ્કૂલ સંચાલકનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ આક્ષેપો નકાર્યા હતા અને બંને વાલીના RTE હેઠળ સિવાયના 2 બાળકોની ગત વર્ષની ફી વાલી ભરવા માંગતા ન હોવાનો ખુલાસો કર્યો હતો.
ફરિયાદ મુજબ RTE અધિનિયમ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફી સરકાર દ્વારા નિયમાનુસાર સ્કૂલને ચૂકવવામાં આવે છે. આમ છતાં સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીના વાલી પાસેથી 4,000 રોકડ માંગવામાં આવ્યા હતા. વાલીએ સત્તાવાર પહોંચ (રસીદ) માંગતા શાળા દ્વારા પહોંચ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને રોકડ રકમ જ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
પહેલા ફી ભરો, પછી જ ક્લાસમાં બેસવા મળશે આક્ષેપ મુજબ ગેરકાયદેસર રીતે માંગવામાં આવેલી ફી ન ભરવાના કારણે વિદ્યાર્થિનીને દર અઠવાડિયે લેવાતી ટેસ્ટમાં બેસવા દેવામાં આવતી નથી. ક્લાસની બહાર ઊભી રાખવામાં આવે છે. “પહેલા ફી ભરો, પછી જ ક્લાસમાં બેસવા મળશે” તેમ કહી માનસિક દબાણ કરવામાં આવે છે તેમજ વાલી મિટિંગ અંગે પણ તેના વાલીઓને જાણ કરવામાં આવતી નથી. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળામાં RTE હેઠળ અભ્યાસ કરતી અન્ય એક વિદ્યાર્થિની પણ આ જ પ્રકારની હેરાનગતિ અને ભેદભાવનો ભોગ બની રહી છે.
બાળકના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન હોવાનું રજૂઆતમાં જણાવાયું RTE અધિનિયમ-2009 મુજબ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પ્રાપ્ત છે તથા RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફીની જવાબદારી સરકારની છે. આવા સંજોગોમાં વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી માંગવી, રોકડ રકમ લઈ તેની પહોંચ ન આપવી તેમજ ફીના બહાને બાળકને પરીક્ષા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વંચિત રાખવું કાયદાની જોગવાઈઓ અને બાળકના શિક્ષણના અધિકારનું ગંભીર ઉલ્લંઘન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.