રાજકોટવાસીઓને સિંહદર્શન માટે રાહ જોવી પડશે

રંગીલા રાજકોટમાં સાસણની જેમ સિંહદર્શન થઈ શકે તે માટે મનપા દ્વારા પ્રદ્યુમ્ન પાર્ક નજીક લાયન સફારી પાર્ક નામના ડ્રિમ પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. તા. 31 જુલાઈનાં રોજ આ પ્રોજેકટની મુદ્દત પૂર્ણ થનાર છે. જોકે, લાયન સફારી પાર્કમાં સુવિધાઓ વધતા ખર્ચમાં 8 કરોડનો વધારો થાય તેમ છે. જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી સહિત વધારાની કામગીરી માટે એજન્સીએ વધુ 6 મહિનાની મુદ્દત માંગી છે. અગાઉ સાતમ-આઠમનાં તહેવારોમાં પાર્ક ખુલવાની શક્યતા હતી. જોકે, હવે મુદ્દત વધારો માંગવામાં આવતા રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવતા મોટા પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થતા નથી અને આ સિલસિલો મનપાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ‘લાયન સફારી પાર્ક’માં પણ યથાવત રહ્યો છે. આ પ્રોજેક્ટ આગામી 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતાં આ નિર્ધારિત સમયમાં કામ પૂરું થાય તેમ ન હોવાથી એજન્સીને વધુ 6 મહિનાનો સમય વધારો આપવો પડશે. આ વિલંબને કારણે હવે આ પાર્ક આવતા વર્ષે જ તૈયાર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

મનપાનાં એન્જિનિયર અને પ્રોજેકટનાં ઇન્ચાર્જ અજય વેગડે જણાવ્યું હતું કે, શરૂઆતના પ્લાનિંગ મુજબ અગાઉ 20,000 ચોરસફૂટ જગ્યામાં એન્ટ્રન્સ પ્લાઝા બનાવવાનું નક્કી થયું હતું. આ આયોજન હેઠળ ફૂડ કોર્ટ, ગજેબો, આકર્ષક એન્ટ્રી ગેટ અને ટિકિટિંગ કાઉન્ટર સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી પરંતુ, જ્યારે પ્રોજેક્ટ સાઈટ પર પ્રત્યક્ષ ડિ-માર્કેશન કરવામાં આવ્યું ત્યારે વાસ્તવિક જગ્યા 20,000 ચોરસફૂટને બદલે 30,000 ચોરસફૂટ જેટલી નીકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *