બે સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તાપમાનની વાત કરીએ તો ભાવનગર અને સુરેન્દ્રનગર 37°C સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સક્રિય મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્રણ દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવનાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આજે માત્ર ભરૂચમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની 12 જુલાઈની સેટેલાઇટ તસવીરમાં ગુજરાત પરથી વાદળો ગાયબ દેખાયા છે, જેથી આવનારા સમયમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ જોવા મળી રહી છે.

ગુજરાતના દરિયાકાંઠે 25થી 30 નોટ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20થી 25 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખરાબ હવામાન અને તેજ પવનને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 55 કિમી/કલાક અને વધીને 65 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આગામી બેથી ત્રણ દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે અને ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિઓમાં થોડો વધારો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *