રાજકોટ જિલ્લાના ગોંડલ સબ જેલમાં બંધ કેદીઓ વચ્ચે મોડી રાત્રે હિંસક અથડામણની ગંભીર ઘટના સામે આવી છે. જેલના બેરેકમાં જ ત્રણ કેદીઓએ અન્ય એક કેદી પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. ઈજાગ્રસ્ત કેદીને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉંદર-વંદા નાખી ત્રાસ આપવાનો પ્રયાસ, ફરિયાદની વાત કરતાં મામલો ઉગ્ર બન્યો માહિતી અનુસાર, ગોંડલ સબ જેલના વોર્ડ નંબર-3ના બેરેક નંબર-2માં સજા ભોગવી રહેલા અરવિંદભાઈ ધીરુભાઈ રાઠોડે પોતાના જ બેરેકમાં રહેતા અજય ઉર્ફે ટીટો ચનાભાઈ સાકરીયા, ભાવિક ઉર્ફે પકો ઉર્ફે ગાંધી છગનભાઈ પરમાર અને દિલીપભાઈ ભરતભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ત્રણેય આરોપીઓ તેમને અવારનવાર હેરાન કરતા હતા. મોડી રાત્રે તેઓ ઊંઘમાં હતા ત્યારે તેમની ઉપર ઉંદર અને વંદા નાખી ત્રાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અરવિંદભાઈએ આ ઘટનાની ફરિયાદ જેલ સત્તાવાળાઓને કરવાની વાત કરતા આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા. ત્રણેયે તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સવારે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે અજય ઉર્ફે ટીટો સહિતના આરોપીઓએ લોખંડના પતરા વડે અરવિંદભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.
જેલ કર્મચારીઓએ વચ્ચે પડી કેદીને બચાવ્યો ઘટનાની જાણ થતાં જ જેલના કર્મચારીઓ તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને વધુ અનિચ્છનીય બનાવ બનતો અટકાવ્યો હતો. ઈજાગ્રસ્ત અરવિંદભાઈને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.