રાજકોટની પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલમાં કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા મોકડ્રીલ અને ફાયર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ લાગે ત્યારે સેકન્ડોમાં કેવી રીતે બચાવ કરવો, ઇવેક્યુએશન પ્લાન અને વિવિધ અગ્નિશામક સાધનો વાપરવાની P.A.S.S. ટેકનિક સમજાવી માર્ગદર્શન અપાયું હતું. શાળામાં લાગેલી ફાયર સિસ્ટમ જેવી કે હોઝ રીલ, ડિલિવરી હોઝ, હાઇડ્રન્ટ, ફાયર અલાર્મ અને પંપને લાઈવ ઓપરેટ કરીને તેની કામગીરી સમજાવવામાં આવી હતી.
તાલીમના અંતે મેદાન પર લાઈવ ફાયર ડેમોન્સ્ટ્રેશન યોજીને આગ ઓલવવાની પ્રાયોગિક તાલીમ આપતા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. આ રોમાંચક સેમિનારમાં 320 વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો મળી કુલ 330 લોકોએ ફાયર સેફ્ટીના પાઠ ભણ્યા હતા. આ સમગ્ર ઓપરેશનને સ્ટેશન ઓફિસર પરેશભાઈ પી. ચુડાસમા, મોઈનભાઈ શેખ, લીડિંગ ફાયરમેન સંદીપભાઈ કાલિયા તથા ફાયર ઓપરેટર જયેશભાઈ ડાકી અને અનિલભાઈ એલ. સોલંકીએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
રાજકોટના રાજમાર્ગો પર ગેરકાયદે દબાણોના કારણે સર્જાતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અંગે મેયર નેહલ શુકલએ સમીક્ષા કર્યા બાદ દબાણ હટાવ શાખાને કડક આદેશ આપ્યા છે. જેના પગલે મનપા તંત્ર દ્વારા જયુબીલી શાક માર્કેટ મેઇન રોડ અને પરાબજાર મેઇન રોડ પરથી છેલ્લા 1 સપ્તાહથી રેંકડી-પથારાના દબાણો હટાવીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વર્ષો પછી આ બંને મુખ્ય રસ્તાઓ ખુલ્લા થતાં વાહનોની અવરજવર સરળ બની છે અને ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા હળવી થઇ છે, જેથી સ્થાનિક વેપારીઓ અને મુસાફરોએ મોટી રાહત અનુભવી છે.
ભૂતકાળમાં આ વિસ્તારોમાં હપ્તાબાજી, ગુંડાગીરી અને વિજીલન્સ સ્ટાફ સાથે ઘર્ષણની ઘટનાઓ સામે આવી ચુકી છે. ટ્રાફિક અને સુરક્ષાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મેયર દ્વારા પોલીસ તંત્ર સાથે સંકલન સાધીને કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. આ સાથે જ, ગેરકાયદે દબાણ કરનારાઓ સામે પગલાં લેવાની સાથે જરૂરિયાતમંદ ગરીબ રેંકડી ધારકો માટે વૈકલ્પિક જગ્યા પૂરી પાડવા અંગે પણ તંત્ર વિચારી રહ્યું છે.