રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એસઓજી શાખાએ ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામમાં દરોડો પાડી 17 કિલો 342 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી હતી. આરોપીના રહેણાંક મકાનમાંથી રૂ.8.67 લાખનો ગાંજો તથા એક મોબાઇલ મળી કુલ રૂ. 8.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે મળેલી બાતમી મુજબ એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આરોપીની ઓળખ સિરાજ હનીફભાઈ વિસર (ઉં. 23), રહે. ચીખલીયા ગામ, ઉપલેટા તરીકે થઈ છે. જ્યારે નવાજ અસરફભાઈ મધરા (ભાયાવદર) અને વસીમ ઇકબાલ રફાઈ (ઉપલેટા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી એસઓજીના પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા તથા ટીમે હાથ ધરી હતી.

રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડે સાયબર ક્રાઇમના અલગ-અલગ બે ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર શક્તિ ઉર્ફે જનવાર ધર્મેન્દ્રસિંહ ધનવાર (કોઠારીયા)ને ઝડપી સાયબર ક્રાઇમ પોલીસને સોંપ્યો છે.

સિગારેટ પીવાની ના પાડતા પફની દુકાને હુમલો લોધાવડ ચોક ખાતે હરિયોગી લાઈવ પફમાં સિગારેટ પીવાની ના પાડતા ચાર શખ્સોએ દુકાનદાર અને તેના મિત્ર પર પથ્થર તથા સ્ટીલના ગ્લાસથી હુમલો કર્યો. બંનેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રીક્ષા પાર્કિંગ મુદ્દે વૃદ્ધ બાપ-દીકરાને જાનથી મારી નાખવાની ધમકી મવડીમાં ભંગારના વેપારી વૃદ્ધ અને તેમના પુત્રને રીક્ષા પાર્કિંગ મુદ્દે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે. 64 વર્ષીય મગન રિબડીયા અને તેના પુત્ર વિપુલને માર મારતા પ્રતીક સોરઠીયા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન ધીમું ચલાવવા બાબતે કાકા-ભત્રીજા પર જીવલેણ હુમલો બામણબોર નજીક ગ્રીનપ્લાય કારખાના પાસે વાહન ધીમું ચલાવવા મુદ્દે છ શખ્સોએ કાકા મખાભાઈ અને ભત્રીજા રણજીત સુમરા પર ધોકા અને પાઈપથી હુમલો કર્યો હતો. બંને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એરપોર્ટ પોલીસે અનિલ રૂખડ, રોહિત ગોદા ગમારા, વિરાજ ગમારા, રોહિત નારણ ગમારા, નિલેશ ગમારા અને અભય ટોળીયા સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *