રાજકોટમાં ભાજપનાં નેતા સરકારી કર્મચારીઓ પર રોફ જમાવીને ધમકાવતા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના એક ફરજ પરના કર્મચારીને ભાજપના અગ્રણી નેતા ગીરીશ પરમારે જાહેરમાં ધમકી આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં ભાજપ નેતા ગીરીશ પરમાર મનપાનાં કર્મચારીને કહે છે કે, ‘અમે તારા બાપ છીએ અને અમે તારા દાદા પણ છીએ’ ! આ ઘટનાને પગલે કોર્પોરેશનના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં શહેર ભાજપ પ્રમુખે આ મામલે ત્વરિત તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
પ્રાપ્ત વિગત મુજબ, આ સમગ્ર ઘટના રાજકોટના માયાણી ચોક નજીકની છે. ત્યાં રાજકોટ મનપાની ટીમ દ્વારા ડ્રેનેજ એટલે કે ભૂગર્ભ ગટર લાઈનના સમારકામ અથવા સફાઈની કામગીરી ચાલી રહી હતી. RMCના કર્મચારીઓ પોતાની નિયમિત સરકારી ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન જિલ્લા ભાજપના આગેવાન ગીરીશ પરમાર કોઈ કારણોસર અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ ત્યાં હાજર કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્મચારી પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.