પર્યાવરણના જતન અને સંવર્ધનના ઉમદા હેતુથી મોવિયા ધામમાં આવેલ સંત ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર (વડવાળી જગ્યા) ખાતે 1000થી વધુ ફૂલઝાડ અને ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોંડલ વન વિભાગ અને મોવિયા ગ્રામ પંચાયતના ખાસ સહયોગથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ગાદીપતિ પૂજ્ય મહામંડલેશ્વર 1008 મહંત ભરતબાપુ તેમજ અલ્પેશ બાપુના સાનિધ્યમાં અને રાજકીય આગેવાનો તથા પૂજનીય સંતો-મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પર્યાવરણ વિશે માર્ગદર્શન પૂરું પાડવા અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગોંડલ વન વિભાગના આર.એફ.ઓ. રાઠોડ અને સુમીતાબેન, ગોપાલભાઇ ભુવા, કુંરજીભાઇ ભાલારા, કંચનબેન રોહિતભાઇ ખૂટ, કિશોરભાઇ અંદીપરા, રમેશભાઇ જન, હિતેશભાઇ દવે અને હસમુખભાઇ લાંબા વગેરેએ હાજરી આપી હતી.
સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સહિયારો પ્રયાસ જરૂરી કાર્યક્રમ દરમિયાન વક્તાઓ દ્વારા પર્યાવરણ અંગે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા માટે વૃક્ષોનું વાવેતર અતિ આવશ્યક છે. પર્યાવરણની સમતુલા જાળવવા માટે કુલ જમીનના 33% ભાગમાં વૃક્ષો હોવા જરૂરી છે, જેની સામે ગુજરાતમાં આ પ્રમાણ માત્ર 21% જ છે.