રાજકોટ શહેરમાં સ્ત્રી સશક્તિકરણના દાવાઓ વચ્ચે ઘરેલુ હિંસાના બે અત્યંત ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે, જેમાં બે પરિણીતાઓએ સાસરિયાં અને પતિના ત્રાસથી કંટાળીને પોલીસના દ્વાર ખખડાવ્યા છે. એક કિસ્સામાં પતિએ બીજા લગ્નની હકીકત છુપાવી દારૂના નશામાં ગર્ભવતી પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હોવાની વિગતો બહાર આવી છે, જ્યારે બીજા કિસ્સામાં માત્ર ઘરખર્ચ અને કરિયાણાના પૈસા જેવી બાબતે પતિએ પત્નીને બેરહેમીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસે બંને મામલે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ ઘટના: પ્રથમ પત્નીના મોતના ખોટા સોગંદ ખાઈ નરાધમે બીજા લગ્ન કર્યા કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી ભૂમિબેન હર્ષદભાઈ અમરેલિયા (ઉં.વ. 34) એ પોતાના પતિ હર્ષદ લવજીભાઈ અમરેલિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પતિ હર્ષદે પોતાના આ બીજા લગ્ન હોવાની અને પ્રથમ પત્નીનું અવસાન થયું હોવાની ખોટી હકીકત જણાવી ભૂમિબેન સાથે ૨૧ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હર્ષદ દારૂના નશામાં અવારનવાર શંકા રાખી મારઝૂડ કરતો હતો. ભૂમિબેન જ્યારે ગર્ભવતી હતા ત્યારે બાળક ન રાખવા દબાણ કરાતું હતું. એટલું જ નહીં, ગર્ભાવસ્થાના આઠમા મહિનામાં નશાની હાલતમાં હર્ષદે ધક્કો મારતા ભૂમિબેન નીચે પટકાઈ ગયા હતા.
બ્રેઈન સ્ટ્રોક અને છૂટાછેડાનું દબાણ દીકરીના જન્મ બાદ પણ ત્રાસ ચાલુ રહેતા ભૂમિબેનને આઘાતમાં ‘બ્રેઈન સ્ટ્રોક’ આવ્યો હતો અને આઈસીયુ (ICU) માં સારવાર લેવી પડી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પતિ તેમને માવતરે મૂકી ગયો હતો અને હવે પરત રાખવાનો ઇનકાર કરી છૂટાછેડા માટે દબાણ કરી રહ્યો છે. ગત 4 જુલાઈની રાત્રે આરોપી હર્ષદ સસરાના ઘરે પહોંચ્યો હતો અને ગાળાગાળી કરી દીકરીને પરાણે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારે તુરંત ‘૧૧૨’ નંબર પર પોલીસને ફોન કરતાં આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
બીજી ઘટના: ઘરખર્ચ અને શાકભાજીના પૈસા માંગતા પતિએ પત્નીને ઝૂડી નાખી બીજો બનાવ ગાંધીગ્રામ વિસ્તારના વેદ એપાર્ટમેન્ટમાં સામે આવ્યો છે, જ્યાં રહેતા તૃપ્તીબા મહાવીરસિંહ જાડેજાએ તેમના પતિ મહાવીરસિંહ ભૂપતસિંહ જાડેજા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તૃપ્તીબાના લગ્ન આશરે 14 વર્ષ પહેલાં થયા હતા. અગાઉ પણ સાસરિયાંના ત્રાસના કારણે તેમણે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. ઘરનું કરિયાણું, શાકભાજી લાવવા અને રોજિંદા ઘરખર્ચ માટે પૈસા આપવાની બાબતે પતિ-પત્ની વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. ગત 3 જુલાઈના રોજ સવારે આ જ મુદ્દે ફરી બોલાચાલી થઈ હતી.
ઉશ્કેરાયેલા પતિ મહાવીરસિંહે પત્નીને બિભત્સ અપશબ્દો કહી, “તે મારી જિંદગી બગાડી નાખી છે” તેમ કહીને ઢીકાપાટુનો ઢોરમાર માર્યો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી આપીને પિયર ભેગી થઈ જવા ફરમાન કર્યું હતું. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી નરાધમ પતિ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.