તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી (AAP) તરફથી ચૂંટણી લડી ચૂકેલા ૨૩ વર્ષીય નંદનીબેન બોસમીયાના આપઘાત કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. ગત 22 જૂન, 2026ના રોજ રાજકોટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરનાર નંદનીને મરવા મજબૂર કરવા બદલ જૂનાગઢના અસલમ સમા, તેની પત્ની અને સાસુ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૈત્રીકરાર, પ્રેમ, દગો અને આર્થિક શોષણની આ કરૂણ દાસ્તાન પોલીસ તપાસમાં બહાર આવી છે.
પત્ની પરત આવતા જ અસલમે મોં ફેરવી લીધું મૃતક નંદનીના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની મોટી દીકરી નંદની (ઉં.વ. 23) એ નવ મહિના પહેલા જૂનાગઢના અસલમ હુશેનભાઈ સમા સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેઓ જૂનાગઢ તથા રાજકોટમાં સાથે રહેતા હતા. અસલમની પત્ની અગાઉ રિસામણે ગઈ હોવાથી તે નંદની સાથે રહેતો હતો. જોકે, થોડા સમય પહેલાં અસલમની પત્ની પરત આવી જતાં અસલમે રંગ બદલ્યો હતો. તેણે નંદનીને સ્પષ્ટ કહી દીધું હતું કે, “હવે મારી પત્ની આવી ગઈ છે એટલે તારી કોઈ જરૂર નથી.” આ કહીને તે નંદનીને શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો અને તેને પિયર જતી રહેવા દબાણ કરતો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી ચાર મહિના પહેલાં અસલમની સાસુ (જે ગુડીબેન તરીકે ઓળખાય છે) એ નંદનીની નાની બહેન રૂપલને ફોન કરીને ધમકી આપી હતી કે, “નંદનીને કહી દેજે કે અમે તેને અસલમ સાથે જીવવા નહીં દઈએ. અસલમને કંઈ નહીં કરીએ પણ નંદનીની જિંદગી બરબાદ કરી નાખીશું.” જ્યારે અસલમની પત્ની ઝરીના ઉર્ફે ‘ભૂકંપ’ નામની મહિલાએ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે, “નંદનીને કહી દેજે કે હું તેને બદસૂરત કરી નાખીશ અને અસલમ સાથે સુખેથી જીવવા નહીં દઉં.”