ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ તરફથી પાંચ જિલ્લામાં અત્યંત ભાર અને ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈ આવી ગઈ હોવા છતા રાજ્યના 8 તાલુકા એવા છે કે જ્યાં હજી વરસાદ પડ્યો જ નથી. જેમાં 6 તાલુકા કચ્છ જિલ્લાના છે. સોમવારે રાજ્યમાં 160થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડના વાપીમાં સાડા સાત ઈંચ, સુરત શહેરમાં 5 અને કામરેજમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા શહેરીજનો પરેશાન જોવા મળ્યા હતા.
હવમાન વિભાગ મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો પ્રેશર (ડિપ્રેશન) સહિતની 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ્સની સંયુક્ત અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
268માંથી આ 8 તાલુકા હજીપણ કોરાધાકોડ ગુજરાતમાં સિઝનનો 17 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. 268માંથી 260 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ, કચ્છ જિલ્લાના અબડાસા,ભચાઉ, ગાંધીધામ,લખપત, માંડવી,મુન્દ્રા, નખત્રાણા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકો કોરાધાકોડ રહ્યો છે.