પર્યાવરણ સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાના આશયથી ગોંડલ માર્કેટિંગ યાર્ડે એક અનોખી અને દૂરંદેશી પહેલ હાથ ધરી છે. યાર્ડ પરિસરમાં ચોમાસા દરમિયાન એકત્ર થતા વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી તેને સીધું જ ભૂગર્ભમાં ઉતારવા માટે 100થી વધુ રિચાર્જ બોર બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જળ સંવર્ધન માટે આવી આયોજનબદ્ધ સિસ્ટમ ઊભી કરનાર ગુજરાતનું પ્રથમ યાર્ડ બની ગયું છે.
ધારાસભ્યના પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશભાઈ, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન-અર્ચન સાથે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે એક બોર બનાવતાં બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે.
યાર્ડના જ નહીં, આસપાસના વિસ્તારોના બોર, કૂવાના તળ ઉંચા આવશે આ પ્રસંગે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં યાર્ડમાં વહી જતાં વરસાદી પાણીનો બગાડ અટકાવવા અને તેનો સદુપયોગ કરવા આ યોજના અમલમાં મૂકાઈ છે. 100થી વધુ રિચાર્જ બોર મારફતે વરસાદી પાણી સીધું ભૂગર્ભમાં ઉતરશે. જેના પરિણામે માત્ર યાર્ડ જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોના કૂવા અને બોરમાં પણ પાણીના તળ ઊંચા આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાણી બચાવવું અને તેનું સંવર્ધન કરવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા કરાયેલી આ પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. અંતમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને ખેડૂતોએ આ લોકહિતકારી અને પર્યાવરણલક્ષી કાર્યને આવકારી યાર્ડની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. યાર્ડના હોદેદારો, ડિરેક્ટરો, વેપારીઓની હાજરીમાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું.