કોટડાસાંગાણીથી અરડોઈ અને રીબડાને જોડતા માર્ગનું સિંગલ પટ્ટીમાંથી ડબલ પટ્ટીમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. જોકે, રોડનું મુખ્ય કામ પૂર્ણ થયાને છ મહિના વીતી ગયા હોવા છતાં રસ્તાની બંને બાજુ ડામર રોડની સપાટી સુધી માટી-મોરમ ભરી સમથળ કરવાની કામગીરી અધૂરી રહેતાં વાહનચાલકો માટે માર્ગ જોખમી બન્યો છે.
આ માર્ગ અરડોઈ સહિત આસપાસના ગામોના લોકો માટે મહત્વનો હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ ઊંચાઈનો તફાવત હોવાથી વાહન રોડની બહાર ઉતરતાં અકસ્માતનું જોખમ વધી જાય છે.
આ અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આ મુદ્દે અરડોઈ ગામના સરપંચ નરશીભાઈ ગજેરા અને ગ્રામજનોએ કોટડાસાંગાણી મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે.
આવેદનમાં જણાવાયું છે કે તા. 6 જુલાઈ, 2026 સુધીમાં રસ્તાની બંને બાજુ માટી-મોરમ ભરી સમથળ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો રોડ ચક્કાજામ કરીને આંદોલન શરૂ કરશે.
અધૂરી કામગીરીથી માર્ગઅકસ્માતજનક બન્યાનો આક્ષેપ ગ્રામજનોના જણાવ્યા મુજબ ડામર રોડ તૈયાર થયા બાદ તેની બંને બાજુ જરૂરી માટી-મોરમ ભરવામાં આવી નથી. પરિણામે રોડ અને બાજુની જમીન વચ્ચે ઊંચાઈનો તફાવત રહે છે. આવી સ્થિતિમાં કોઈ વાહન રોડની બહાર ઉતરે તો તેને ફરી રોડ પર લાવવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે. ગ્રામજનોએ આ કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાની માંગ કરી છે.