ગોંડલ શહેરની વસતિ દોઢ લાખને પાર પહોંચી જવા આવી છે પરંતુ હજુ સુધી ફુડ ઇન્સ્પેક્ટરની જગ્યા એક જ છે અને તેમાં સ્ટાફમાં કોઇ વધારો ન થતાં આરોગ્ય સાચવવાની જવાબદારી એક જ અધિકારી પર આવી રહી છે.
આગામી સમયમાં ચોમાસું જામશે અને તેની સાથે રોગચાળાની સિઝન પણ ખુલશે ત્યારે એક જ ઇન્સ્પેક્ટરથી કેમ કામ ચાલી શકે? શહેરમાં વધતી જતી વસ્તી અને ફૂડ સ્ટોલ્સની સંખ્યાને ધ્યાનમાં રાખીને લોકોના આરોગ્યની સુરક્ષા માટે નગરપાલિકાના હેલ્થ કમિટીના ચેરમેન સુમિતાબેન પીપળીયાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વધુ એક ફૂડ ઇન્સ્પેક્ટર, તેમને મદદરૂપ થવા માટે જરૂરી સ્ટાફની નિમણૂક કરવાની માંગ કરાઇ છે.
ચીફ ઓફિસરને પાઠવેલા આવેદનપત્રમાં હેલ્થ કમિટી ચેરમેન સુમિતાબેન પીપળીયાએ જણાવ્યું છે કે, શહેરમાં હાલ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાનો, બેકરી, ફાસ્ટ ફૂડ સેન્ટર, ખાણીપીણીના લારી-ગલ્લાઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આવા સમયે નાગરિકોની ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા જાળવવી એ નગરપાલિકાની જવાબદારી છે.
તેમણે પત્રમાં વધુમાં ઉમેર્યું છે કે, તમામ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવા માટે માત્ર એક ફૂડ ઇન્સ્પેક્ટર પૂરતા નથી. જેથી ફૂડ ઇન્સ્પેક્ટરની સાથે ફૂડ સેફ્ટી સહાયક, ફિલ્ડ સ્ટાફ, સેમ્પલિંગ સ્ટાફ, વહીવટી સહાયક કર્મચારીઓની સત્વરે નિમણૂક કરાય .