ભારત અને સેશેલ્સે રવિવારે 19 મોટા કરારો અને વિકાસ પરિયોજનાઓની જાહેરાત કરી. વડાપ્રધાન મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોથી સંરક્ષણ, ડિજિટલ ચુકવણી, આરોગ્ય, શિક્ષણ, અવકાશ અને દરિયાઈ સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થશે.
સૌથી મોટી જાહેરાત એ રહી કે હવે સેશેલ્સમાં પણ ભારતની UPI આધારિત ડિજિટલ ચુકવણી વ્યવસ્થા શરૂ થશે. ભારતે અત્યાર સુધીમાં 23થી વધુ દેશો સાથે UPI ને લઈને કરારો કર્યા છે. હાલમાં 9 દેશોમાં UPI થી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, ભારત સેશેલ્સને 1,250 કરોડ રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ (લોન) આપશે, જેનાથી ત્યાંની વિકાસ પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવશે. બંને દેશોએ પ્રત્યાર્પણ સંધિ, નવી રાષ્ટ્રીય હોસ્પિટલની તૈયારી અને અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ જેવા મહત્વપૂર્ણ કરારો પર પણ હસ્તાક્ષર કર્યા.
ભારતે સેશેલ્સને એક ફાસ્ટ પેટ્રોલ વેસલ, 10 યુટિલિટી વાહન, 5 બોટ, 6 એમ્બ્યુલન્સ, 500 મેટ્રિક ટન ચોખા અને 8,500 મેટ્રિક ટન સિમેન્ટ પણ સોંપ્યા. આ સાથે જ સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ વધારવા પર પણ સહમતિ બની. આ જાહેરાતો એવા સમયે થઈ છે, જ્યારે બંને દેશ રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યા છે.