રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા વર્ષ 2026માં લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી- ઉચ્ચતર માધ્યમિકની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના ઉમેદવારો માટેનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જો કે, હાલ વેબસાઈટ ન ખુલતી હોવાની ફરિયાદો ઉઠી છે. જાહેર કરાયેલા પરિણામ મુજબ 1,47,584 વિદ્યાર્થીઓમાંથી કૂલ 10,876 વિદ્યાર્થીઓએ 100 કરતા વધુ માર્ક મેળવ્યા છે.
આ વર્ષે કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરિણામના આંકડા મુજબ 51,971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ, 34,644 ઉમેદવારોએ 80થી વધુ ગુણ, 20,893 ઉમેદવારોએ 90થી વધુ ગુણ અને 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે 1,666 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડે પરિણામ અંગે કોઈ વાંધો હોય અથવા ગુણની પુનઃ ચકાસણી કરાવવી હોય તેવા ઉમેદવારો માટે 18 જૂનથી 30 જૂન સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.