રાજકોટ-જેતપુર સિક્સલેનના કામથી અઢી લાખ વાહન ચાલકોને હાલાકી

સૌરાષ્ટ્રની આર્થિક અને સામાજિક જીવાદોરી સમાન ગણાતો રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે વાહનચાલકો માટે મોટી આફત સમાન બની રહ્યો છે. ટેન્ડરની મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ હાઈવેનું નિર્માણકાર્ય હજુ અધૂરું છે. આ માર્ગ પર કોરાટ ચોક પાસે નવો એલિવેટેડ ઓવરપાસ મંજૂર થતાં હવે આ સમગ્ર પ્રોજેક્ટ જૂન-2027માં પૂર્ણ થશે, જેના કારણે પ્રોજેક્ટનો ખર્ચ 1200 કરોડથી વધીને 1500 કરોડ પર પહોંચી ગયો છે.

જોકે, હવે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે અહીંથી પસાર થતાં દૈનિક અઢી લાખથી વધુ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી ન પડે તે માટે પ્રિ-મોન્સૂન કામગીરી તાકીદે હાથ ધરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું છે કે, રાજકોટ-જેતપુર હાઈવે સમગ્ર સૌરાષ્ટ્રનો અત્યંત મહત્વનો ધોરીમાર્ગ છે, જેના પર રોજિંદા હજારો વાહનો, ઔદ્યોગિક પરિવહન, પ્રવાસન અને સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. ગત વર્ષના ચોમાસાના કડવા અનુભવો, કલાકો સુધી લાગતા ટ્રાફિક જામ અને માર્ગની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મુખ્ય 10 માંગણીઓ રજૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *