સુરતના ભૂતિયા ડિમોલિશનમાં રાજકારણની ગંધ…!

સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઈતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનમાં હવે રાજકારણની ગંધ આવી રહી છે.

અગાઉ જેમ ગુજરાત યુનિવર્સિટી કાંડમાં SOGની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી અને એક નેતાનો ભોગ લેવાઈ ગયો હતો. તેમ હવે આ ડિમોલિશનમાં પણ SOGના DCP નકુમ હાજર હતા, જે ફરી એકવાર SOGની શંકાસ્પદ ભૂમિકા તરફ સવાલ ઉભા કરી જાય છે. ત્યારે આ વખતે પણ કોઈ નેતાનો ભોગ લેવાય છે કે કેમ? તેની પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે આ બધા વચ્ચે સુરતના ચર્ચાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે 10 શંકા ઉપજાવતા સવાલના જવાબ ક્યારે મળશે તેની સૌકોઈ રાહ જોઈ રહ્યા છે.

રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ડિમોલિશન કોઈ નેતાને રાજકીય રીતે ‘માપ’માં રાખવા થયું હોય તેમ લાગે છે, સુરતના જ 2 દિગ્ગજ નેતાઓ એકબીજાને શેહ, માત આપવાના ખેલમાંં હોય અને એટલે જ આ મેટર આટલી ચગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે જ રાજકીય પંડિતો આ મેટરને રાજકારણ સાથે જોડી રહ્યા છે.

સુરતમાં હાલ એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે બિલ્ડર માટે જમીન ખાલી કરાવ્યા બાદ એક જગ્યાએ 10 કરોડ અને એક જગ્યાએ 5 કરોડનો વહીવટ કરવાનો હતો. પણ ક્યાંક પૈસા પહોંચ્યા નહીં અને સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમને પૈસા મળ્યા નહીં તેમણે જ સામેવાળાને કંટ્રોલમાં કરવા આ વાત લિંક કરી, પણ સમય જતાં આ મામલો કાબૂ બહાર ગયો હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *