ગુજરાત રાજ્યમાં સાયબર ફ્રોડના વધતા કેસોને ધ્યાનમાં રાખી ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સાયબર ફ્રોડ માટે વપરાતા એકાઉન્ટ ધારકો અને કૌભાંડ આચરનારાઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા રૂ.1.78 કરોડના સાયબર ફ્રોડમાં મ્યુઅલ એકાઉન્ટ ધરાવનારા 16 માંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજુ ફ્રોડની રકમ ફરિયાદ કરનારા 50 માંથી એક પણ વ્યક્તિને પરત મળી નથી અને માસ્ટર માઇન્ડ સુધી પોલીસ પહોંચી શકી નથી.
રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતુ કે, રાજ્યમાં હાલ ઓપરેશન મ્યુઅલ હન્ટ ચાલુ છે. જે અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં જે મ્યૂઅલ એકાઉન્ટ છે તેમના વિરુધ્ધ કામગીરી ચાલુ છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 16 વ્યક્તિઓ વિરૂધ્ધ 8 FIR દાખલ કરવામાં આવેલી છે. આ બધા એકાઉન્ટ વિરુદ્ધમાં ટોટલ 50 ફરિયાદ 1930 પર દાખલ કરવામાં આવેલી છે. જેમાં રૂ.1,78,92,645 નો ફ્રોડ થયેલો છે. 16માંથી 9 આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે. જ્યારે 7 આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ એકાઉન્ટ ભાડે આપેલા હતા. સાયબર ફ્રોડમાં ઉપયોગ થઈ રહ્યા હતા. તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમારા એકાઉન્ટ GST યુઝ માટે, એકાઉન્ટમાં ટ્રાન્સલેશન માટે, ભાડા ઉપર ન આપો. કારણ કે જ્યારે પણ કાર્યવાહી થશે ત્યારે આરોપી તરીકે સૌથી પહેલું નામ એકાઉન્ટ હોલ્ડરનું આવશે. જેથી કોઈપણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ બીજા લોકોને ન આપે. તમને કોઈ કહેતું હોય તો કે તમારી પેટી ખોલીને પાર્ટનર રાખશું તો આ બાબતે સૌપ્રથમ તમે માહિતી એકત્ર કરો કે કઈ પેટી છે અને શું કામ કરશે.