વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે. છેલ્લા કેટલાય સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા. તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. યોગેશ પટેલની અંતિમવિધિ પુત્ર અને પુત્રી અમેરિકાથી આવ્યા બાદ 4 જૂનના રોજ કરવામાં આવશે.
તેમનો જન્મ 23 જુલાઈ 1946ના રોજ થયો હતો. જ્યારે અવસાન 2 જૂન, 2026ના રોજ થયું છે. આમ તેઓએ 80ની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. તેઓ 1990થી સતત 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમજ રૂપાણી સરકારમાં મંત્રી પણ બન્યા હતા.
કેદારનાથમાં 11 લાખ રુદ્રાક્ષ ચડાવવાનો સંકલ્પ લીધો હતો MLA યોગેશ પટેલ શિવ ભક્ત હતા. તેમણે શ્રાવણ મહિનામાં કેદારનાથ ખાતે 11 લાખ રુદ્રાક્ષ ચડાવવાનો સંકલ્પ લીધો હતો. આ રુદ્રાક્ષ નેપાળમાં તૈયાર થઈ ગયા છે. શિવ પરિવાર યોગેશ પટેલનો આ સંકલ્પ પૂર્ણ કરશે.
આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 6 માર્ચ, 2026ના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે 5 મેના રોજ આવેલા પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી. આમ સભ્ય સંખ્યા 182 થઈ ગઈ હતી. પરંતુ 27 દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે.