સાયબર ગઠિયાઓ રોજબરોજ નવી-નવી ટેકનિક અને મોડસ ઓપરેન્ડી અજમાવીને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. રાજકોટમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વેપારીએ સાવચેતી વાપરીને શંકાસ્પદ APK ફાઇલ ડાઉનલોડ ન કરી હોવા છતાં અને કોઈને ઓટીપી શેર ન કર્યો હોવા છતાં, સાયબર માફિયાઓ તેમના બેંક ખાતામાંથી ₹8.16 લાખની રકમ ઓનલાઇન સેરવી ગયા હતા. આ મામલે ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સોર્સિસના આધારે ગુનેગારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સિમકાર્ડ પોર્ટ કરાવ્યા બાદ ‘એમ-પરિવહન’ ના નામે ફેક મેસેજ આવ્યો મળતી વિગતો અનુસાર, રાજકોટના જગન્નાથ પ્લોટ શેરી નંબર 2માં રહેતા 52 વર્ષીય મિતિનભાઈ ચંદ્રકાંત મહેતા કલરકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત 9 મેએ તેઓ પોતાનો BSNLનો મોબાઇલ નંબર VI કંપનીમાં પોર્ટ કરાવવા માટે કાલાવડ રોડ પર મહિલા કોલેજ પાસે આવેલી ઓફિસે ગયા હતા. સીમકાર્ડ પોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, તે જ રાત્રે 12 વાગ્યાની આસપાસ તેમના મોબાઇલ પર ‘એમ-પરિવહન’ (mParivahan)ના નામે એક શંકાસ્પદ મેસેજ આવ્યો હતો, જેમાં તેમની કારનું ₹2,000 નું ચલણ બાકી હોવાની ખોટી માહિતી દર્શાવી એક લિંક આપવામાં આવી હતી. આ લિંક ખોલતાં જ APK ફાઇલ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવ્યો હતો, પરંતુ મિતિનભાઈએ સાવચેતી વાપરીને તે ફાઇલ ડાઉનલોડ કરી ન હતી.
એકસાથે 30 જેટલા OTP આવ્યા અને બેંક મેનેજરે આપી સલાહ બીજા દિવસે એટલે કે 10 મેેએ મિતિનભાઈના મોબાઇલ પર એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી વિવિધ ઇ-કોમર્સ એપ્લિકેશન્સના અંદાજે 30 જેટલા અજાણ્યા OTPના મેસેજ ઉપરાઉપરી આવવા લાગ્યા હતા. આ મોબાઇલ નંબર તેમની પેઢીના બેંક એકાઉન્ટ સાથે લિંક હોવાથી તેમણે તાત્કાલિક ઓનલાઇન બેલેન્સ ચેક કર્યું, પરંતુ તે સમયે કોઈ રકમ કપાઈ ન હતી. તેમ છતાં શંકા જતાં તેમણે યસ બેંકના બ્રાન્ચ મેનેજર સાથે વાત કરી હતી. મેનેજરે સાયબર ફ્રોડનો ભય હોવાનું જણાવી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની લિમિટ ઘટાડવાની સલાહ આપી હતી, જેના પગલે મિતિનભાઈએ સાવચેતીના ભાગરૂપે પોતાના પર્સનલ એકાઉન્ટની લિમિટ ઘટાડીને ₹1,500 કરી નાખી હતી.
નવું સિમકાર્ડ એક્ટિવેટ થતાં જ રાતોરાત ખેલાયો ખેલ ત્યારબાદ 12 મેએ તેમનું નવું VIનું સીમકાર્ડ એક્ટિવેટ થઈ ગયું હતું. સિમકાર્ડ બરાબર ચાલુ હોવાની ખાતરી કરી મિતિનભાઈ રાત્રે સૂઈ ગયા હતા, પરંતુ સાયબર ગુનેગારોએ તે જ રાત્રે આખો ખેલ પાડ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે મિતિનભાઈ જાગ્યા ત્યારે તેમના મોબાઇલ પર નાણાં ડેબિટ થયાના ઉપરાઉપરી મેસેજ જોઈને તેમના હોશ ઊડી ગયા હતા. સાયબર માફિયાઓએ રાતોરાત અલગ-અલગ કુલ 17 ટ્રાન્ઝેક્શન કરીને તેમની પેઢીના મુખ્ય બેંક ખાતામાંથી કુલ ₹8.16 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી.
પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં મિતિનભાઈએ સહેજ પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને ટ્રાન્ઝેક્શન ફ્રીઝ કરાવવા અરજી કરી હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.