ખેડૂતોનો મૂડ પારખી વેણુ 2 ડેમમાંથી‎પાણી નદીમાં વહાવવાનો નિર્ણય મોકૂફ‎

ઉપલેટાના વેણુ 2 ડેમમાં સમારકામ કરવાનું હોવાથી અમુક દરવાજા ખોલીને પાણી છોડવાની જાહેરાત કરાઇ હતી. પાણી છોડવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે ગધેથડ, રબારીકા, ઢાંક, ખારચીયાના ચાર ગામના આગેવાનો સરપંચો તથા ખેડૂતોએ નદી કિનારે પટમાં મોરચો માંડી દીધો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો.

જ્યારે કે ડેમમાંથી 6482 ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવાની વાત વહેતી થઈ જતા મોટા પ્રમાણમાં ગામ લોકોને ખેડૂતો નદીના પટ્ટમાં બેસી ગયા હતા ત્યારે તંત્ર દ્વારા પાણી નદીમાં છોડવાની જે નિર્ણય હતો તે હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો હતો. ઉનાળામાં પાણી છીનવાઈ જવાની બીકે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અંતે તંત્ર એ ઝુકવું પડ્યું અને પાણી છોડવાનો નિર્ણય હાલ પૂરતો મોફુક રાખવો પડ્યો હતો.

જ્યારે કે આ બાબતે ખેડૂતો સાથે વાત કરતા તેમને જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે ઉનાળાની સિઝનમાં જ્યારે પાણીની ફુલ જરૂર હોય ત્યારે તંત્ર દ્વારા દર વર્ષે સમરકામ માટે લાખો લીટર પાણી વેડફી નાખે છે જ્યારે કે આ પાણી કોઈપણ જાતનો ઉપયોગમાં આવતું નથી અને વેડફાઈ છે. > અશ્વિનસિંહ વાળા, આગેવાન ગધેથડ

પાણી નદીમાં વહેતું કરવાની વાત વાજબી નથી. આ બાબત અમે ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત કરી છે અને હાલ ધારાસભ્યએ ખાતરી આપી છે કે બે દિવસની અંદર તમને પાણી પૂરું પાડીશું ત્યારબાદ અમે પાણી છોડીશું. જોઇએ હવે શું થાય છે. > માંડાભાઈ કાંબરીયા, ખેડૂત, ખારચીયા

તંત્ર જો આ પાણી સિંચાઈ માટે ખેડૂતને આપે તો પણ ખેડૂતોની કેટલીક સમસ્યાઓ હલ થઈ જાય એમ છે, છતાં પણ તંત્ર દ્વારા આ પાણીને નદીમાં છોડવાનો નિર્ણય જે કરવામાં આવ્યો છે તે એકદમ વ્યાજબી નથી. આ પાણી નદીમાં વહેતું કરીને પાણીનો બગાડ કરવાની વાત જ છે. > વિજયભાઈ ચુડાસમા, ખેડૂત, ઢાંક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *