જે પોષતું તે મારતું ઉક્તિ આજે એક વૃક્ષની બાબતમાં સાચી પડી હતી. જે વૃક્ષના છાંયડામાં આવી કાળઝાળ ગરમીમાં વાહનો પાર્ક કરાયા હતા તે જ વૃક્ષ અચાનક ધરાશાયી બની જતાં એક કાર અને બે બાઇકને નુકસાન થયું હતું. સદનસીબે જાનહાનિ થઇ ન હતી.
ગોંડલ શહેરના મતવાવાડ વિસ્તારમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસે એક વર્ષો જૂનું તોતિંગ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું .મંદિર પાસે એક વણિક પરિવારનું મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. આ બંધ મકાનના ફળિયામાં ઉગેલું જૂનું અને વિશાળ લીમડાનું વૃક્ષ સવારના અરસામાં અચાનક જમીનદોસ્ત થઈ ગયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં તે મકાનની બાજુમાં છાંયડે પાર્ક કરવામાં આવેલી સલીમભાઈ ખિરાણીની કાર પર ખાબક્યું હતું. આ ઉપરાંત ત્યાં પાર્ક કરેલા બે દ્વિચક્રી વાહનને પણ વૃક્ષની ડાળીઓ અને દિવાલ પડતાં નુકસાન થયું હતું.
સદનસીબે આ ઘટના સવારે બની હતી. જો બપોરના સમયે આ વૃક્ષ પડ્યું હોત તો વાહનોના નુકસાનીનો આંકડો ઘણો મોટો હોત. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.