ગોંડલ શહેરના લોકો માટે રજાના દિવસોમાં હરવા ફરવા અને મનોરંજન માટેનું જો કોઈ એકમાત્ર ઉત્તમ સ્થળ હોય તો તે છે કોલેજ ચોક ખાતે આવેલ ”સર ભગવતસિંહજી ગાર્ડન”. રવિવાર અને રજાના દિવસોમાં અહીં શહેરીજનો પોતાના નાના ભૂલકાંઓ અને પરિવાર સાથે આનંદ માણવા ઉમટી પડે છે. પરંતુ, ગોંડલ નગરપાલિકાની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે લોકોની આ મજા સજામાં ફેરવાઈ રહી છે.
ગાર્ડનમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. કોઈપણ જાહેર સ્થળે શૌચાલય, પીવાના પાણીની સુવિધા હોવી એ પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ સર ભગવતસિંહજી ગાર્ડનમાં આવેલા જાહેર શૌચાલયની હાલત દયનીય છે. અહીં સ્વચ્છતા અને પાણીની સુવિધા તો દૂરની વાત છે, પરંતુ તંત્રએ હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે મહિલાઓ અને પુરુષો બંનેના શૌચા લયના દરવાજે મોટા ”અલી ગઢિયા તાળા” મારી દીધા!
બાળકો અને મહિલાઓ ક્યાં જાય “હું મારા પરિવાર સાથે અહીં ફરવા આવ્યો છું. મારા નાના બાળકને શૌચાલય જવાની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી, પરંતુ અહીં શૌચાલય બંધ છે. ત્યાં હાજર લોકોને પૂછ્યું તો કહે છે કે ખુલ્લું હશે, પણ અહીં તો તાળા મારેલા છે. રવિવારના દિવસે આટલી ભીડમાં નાના બાળકો અને મહિલાઓને લઈને અમારે જાવું ક્યાં? – વિજય મોલિયા, જાગૃત નાગરિક
પાલિકા તંત્ર સફાળું જાગ્યું ગાર્ડનમાં જાહેર શૌચાલયોને તાળા લાગેલા હોવાની જાગૃત નાગરિકની રજૂઆત બાદ ગોંડલ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને પાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ તાત્કાલિક ગાર્ડન ખાતે દોડી ગઈ હતી અને બંધ શૌચાલયો સત્વરે ખુલ્લા મુકાવ્યા હતા. સ્થળ પર પહોંચીને કારોબારી ચેરમેને નાગરિકની કામગીરીને બિરદાવી હતી. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે, “જાગૃત નાગરિકે જે વીડિયો વહેતો કર્યો હતો તેમાં રજૂ કરાયેલી વાત સંપૂર્ણ સત્ય હતી. કારણ કે તેમની જાગૃતતાના કારણે જ અમે અહીં સ્થળ પર પહોંચીને સમસ્યાનું નિવારણ લાવી શક્યા છીએ.