કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા શહેરોને નંબર આપવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટે જોરદાર હનુમાન કુદકો લગાવીને 39માં નંબરમાંથી સીધો 19મો નંબર મેળવ્યો હતો. હવે આગામી મહિનાઓમાં આ સર્વેક્ષણનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે રાજકોટને દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
જેમાં 17 કરોડથી વધુના ખર્ચે 3 MRF(મટીરીયલ રિકવરી ફેસિલિટી) સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ પૈકી 2 સેન્ટરો તો કાર્યરત થઈ ચૂક્યા છે. અને ત્રીજા સેન્ટરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી ખાતર સહિતની ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવશે.
રાજકોટ મનપાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના કડક અમલીકરણ માટે સતત મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા હેઠળ કચરાનું સેગ્રીગેશન (અલગ) કરવું, BwG (બલ્ક વેસ્ટ જનરેટર)નું રજીસ્ટ્રેશન કરવું અને કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરીને લેન્ડફિલ સાઇટ પર ઝીરો વેસ્ટ જાય તે દિશામાં નક્કર કામગીરી હાથ ધરવામાં આવી છે.