રાજકોટમાં રેપિડો રિક્ષાચાલકે પેસેન્જર મહિલાને માર માર્યો

રાજકોટ શહેરમાં રિક્ષાચાલકોની બેલગામ દાદાગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માધાપર ચોકડી પાસે રહેતી અને સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા અને તેની બહેન પર એક રેપિડો રિક્ષાના ચાલકે ભાડા બાબતે થયેલી માથાકૂટમાં જાહેરમાં શારીરિક હુમલો કરી ગાળો ભાંડી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઈ છે. ભોગ બનનાર મહિલાના પતિ પોલીસ કોન્સ્ટેબલ છે.

માધાપર ચોકડી પાસે સદ્ગુરુ પાર્ક શેરી નં.4માં રહેતી પાયલ કિશનકુમાર બગડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રીક્ષા નં.જી.જે.03-બી.યુ.-1874ના ચાલકનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી પાયલબેન બગડા અને તેમના મોટા બહેન નીરૂબેન શનિવારી ગુજરી બજારમાં જવા નીકળ્યા ત્યારે તેમણે ઓનલાઈન રેપિડો રિક્ષા બુક કરાવી હતી. રિક્ષા આવી ત્યારે તેમાં ઓલરેડી એક પુરુષ પેસેન્જર બેઠેલો હતો.

મહિલાઓએ ‘સ્પેશિયલ રિક્ષા’ હોવાનું કહી લેડીઝ સુરક્ષા અંગે વિરોધ કરતાં રિક્ષાચાલકે તે પેસેન્જરને નાણાવટી ચોકે ઉતારી દીધો હતો, પરંતુ આ વાતનો ખાર રાખી તેણે મહિલાઓ સાથે તોછડું વર્તન શરૂ કર્યું હતું.

દાદાગીરી એટલી વધી કે રામેશ્વર પાર્ક મેઇન રોડ પર રિક્ષા ઊભી રાખી તેણે મહિલાઓને નીચે ઉતરી જવા કહ્યું હતું. પાયલબેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાલકે રસ્તા વચ્ચે જ તેમના પર હાથ ઉપાડ્યો હતો અને બચાવવા વચ્ચે પડેલા તેમના મોટા બહેનને પણ ઢોરમાર માર્યો હતો.

જ્યારે અન્ય એક ઘટનામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને ચાની કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરવાની સાથે પાર્ટ-ટાઈમ રિક્ષા ચલાવતા કરણભાઈ કિશોરભાઈ ભટ્ટ ગઈરાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પોતાના મિત્ર સિદ્ધાર્થ સાથે પુષ્કરધામ રોડ પર જાફર ચાની હોટેલ પાસે ઊભા હતા.

આ દરમિયાન ત્યાંથી એક્સેસ સ્કૂટર લઈને નીકળેલા કુખ્યાત ઉમંગ ભૂતની નજર કરણ પર પડી હતી. ઉમંગે તાત્કાલિક કરણને પોતાની પાસે બોલાવ્યો હતો અને ગાળો ભાંડી હતી. આ અંગે ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *