રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ પાસે 1 મેના રોજ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં આજે વધુ એક ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. દૂધ ભરેલી મીની ટ્રક પલ્ટી જવાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જીતેશભાઇ ઉર્ફે અનીલભાઇ સોવસીયા (ઉ.વ.29)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી આજે વધુ એક યુવકનું મોત થતા મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે. યુવાનના મોતથી ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છે. હાલ આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક મોટર કારને બચાવવા જતા દૂધના કેન અને 7 મુસાફર સહિત 12 લોકો સાથે સવાર મીની ટ્રક જીજે.03.બીવાય.5551 નંબરનું માલ વાહક વાહન પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર ખેતી અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા ભીમાભાઈ મકવાણાને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું અને 11 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને પગલે 108 મારફત તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર લઈ રહેલા સુરેશ ઉધરેજીયાનું 5 દિવસની ટૂંકી સારવાર દરમિયાન 6 મેંના રોજ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમા ઈજાગ્રસ્ત જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ.29) તેમના પત્ની અંજલીબેન ચોવસીયા (ઉ.વ.25), પુત્ર અનુસ ચોવાસીયા (ઉ.વ.5), પુત્રી મિતલ ચોવાસીયા (ઉ.વ.8), પુત્ર કાર્તિક ચોવાસીયા (ઉ.વ.5) અને પુત્રી નતાશા ચોવાસીયા (ઉ.વ.7) મૂળ દહીસરા ગામના રહેવાસી છે અને તેઓ સુરતમાં વરાછા વિસ્તારમાં રહે છે.