જેતપુરમાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી યુવાન પટકાયો

જેતપુરના યોગીનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા 23 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના આજે બપોરના સમયે બની હતી, જેને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાનનું નામ ગૌસ્વામી ગૌરાંગગિરી ભરતગિરી (ઉં.વ. 23) છે. તે મૂળ વડીયા ગામનો વતની હતો અને હાલ જેતપુરના યોગીનગર સ્થિત શ્રદ્ધા એપાર્ટમેન્ટના ચોથા માળે એકલો રહેતો હતો. ગૌરાંગગિરી ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતો અને એક મહિના પહેલા જ આ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો.

આજે બપોરના સમયે અચાનક મોટો અવાજ આવતા આસપાસના લોકો અને પડોશીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું કે યુવાન એપાર્ટમેન્ટ નીચે પડેલો હતો.

પડોશીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *