દેશમાં આગામી સમયમાં યોજાનારી જનગણના-2027 (Census 2027)ની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજકોટ મહાપાલિકા દ્વારા વ્યાપક સ્તરે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ દ્વારા જનગણના સંદર્ભે મહત્વની વિગતો અને આયોજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં જનગણનાની કામગીરી સુચારુ અને ચોકસાઈપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા માળખાગત તૈયારીઓ આખરી કરી લેવામાં આવી છે, જેના ભાગરૂપે કર્મચારીઓની તાલીમ અને નાગરિકો માટે ઓનલાઇન (સ્વ-ગણતરી)ની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
4200થી 4500 કર્મચારીઓની ફોજની તાલીમ શરૂ ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં જનગણના 2027ની વ્યાપક કામગીરીને પહોંચી વળવા મોટા માનવબળની જરૂરિયાત ઊભી થઈ છે. આ સમગ્ર પ્રક્રિયા અંતર્ગત અંદાજિત 4200થી 4500 જેટલા ગણતરીદારો (એન્યુમરેટર્સ) અને સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ સ્ટાફ પૈકી મહાપાલિકાના પોતાના અંદાજિત 1050થી 1100 જેટલા કર્મચારીઓનો સમાવેશ આ કામગીરીમાં કરવામાં આવ્યો છે. બાકીના સ્ટાફની વ્યવસ્થા અન્ય સરકારી કે સંલગ્ન વિભાગોમાંથી કરવામાં આવી છે, જેથી કરીને શહેરના તમામ વોર્ડ અને વિસ્તારોને વ્યાપક રીતે આવરી શકાય.