રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈડર અને પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકસાન કરનારા સામે રાજકોટ મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવ શાખા દ્વારા માર્ચ 2026 અને એપ્રિલ 2026 દરમિયાન આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ કુલ 32 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અને આ યાદીમાં શહેરની જાણીતી શાળાઓ, એકેડેમીઓ, જ્વેલર્સ અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાંથી અનધિકૃત જાહેરાતો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જો કે, મહાનગરપાલિકાની આ કામગીરી સામે સ્થાનિક સ્તરે સવાલો પણ ઉઠી રહ્યા છે. ચર્ચા મુજબ, સત્તાધારી પક્ષ ભાજપના અનેક બેનરો અને પોસ્ટરો શહેરમાં લાગેલા હોવા છતાં તેને હટાવવામાં આંખ આડા કાન કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ જાણીતી શાળાઓ સહિત 32 સંસ્થાઓને તાત્કાલિક નોટિસ ફટકારી દેવામાં આવી છે. તંત્રની આ પક્ષપાતી નીતિને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા રાજકોટની જાહેર જનતા અને તમામ વ્યવસાયિકોને અપીલ કરવામાં આવી છે કે, શહેરના માર્ગો, સર્કલો કે પોલ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતો લગાવી નહીં.