રાજકોટમાં પોલીસ પણ અસુરક્ષિત!

રાજકોટના કુવાડવા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જનતાની સુરક્ષા કરનાર પોલીસ જ અસુરક્ષિત હોવાનું જણાઈ રહ્યું છે. નવાગામમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી બે શખ્સો તેમનો મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

શું હતી સમગ્ર ઘટના? કુવાડવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ વઘાસીયાને રાત્રિના સમયે કંટ્રોલ રૂમ તરફથી મિલકત વિવાદ અંગેનો એક કોલ મળ્યો હતો. કોલ કરનાર શખ્સ દીપક પલારીયાએ જણાવ્યું હતું કે તેના ઘર પાસે કેટલાક લોકો ઝઘડો કરવા આવ્યા છે. આ માહિતી મળતાની સાથે જ કોન્સ્ટેબલ તુરંત નવાગામ આણંદપર સ્થિત સોમનાથ રેસીડન્સી પાસે પહોંચ્યા હતા.

પોલીસ સાથે અણછાજતું વર્તન અને લૂંટ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ કોલ કરનાર દીપકે પોલીસને મદદ માંગવાને બદલે “તમે કેમ મોડા આવ્યા?” તેમ કહીને તકરાર શરૂ કરી હતી. કોન્સ્ટેબલે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ કોલ મળ્યાની ગણતરીની મિનિટોમાં જ પહોંચ્યા છે, તેમ છતાં મામલો બિચક્યો હતો.આ દરમિયાન ત્યાં હાજર અન્ય એક શખ્સ સંજય ઉર્ફે ટકો રોજાસરા પણ ધસી આવ્યો હતો. બંનેએ ભેગા મળીને પોલીસ સાથે ઝપાઝપી કરી, ગાળાગાળી કરી અને ફરજમાં રુકાવટ ઉભી કરી હતી. આટલું જ નહીં, આરોપી સંજય કોન્સ્ટેબલનો ₹40,000ની કિંમતનો આઇફોન ઝૂંટવીને દીપક સાથે એક્સેસ ટુ-વ્હીલર પર સવાર થઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

લૂંટ, સરકારી ફરજમાં રુકાવટની ફરિયાદ આ બનાવ અંગે કોન્સ્ટેબલ વિશાલભાઈએ સંજય ઉર્ફે ટકા અને દીપક પલારીયા વિરુદ્ધ લૂંટ, સરકારી ફરજમાં રુકાવટ, ગાળાગાળી અને ઝપાઝપીને લઈ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. હાલ કુવાડવા પોલીસે આ બંને નામચીન શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *