રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શુદ્ધ અને ક્લોરિનયુક્ત પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળવાની ગંભીર સમસ્યા સામે આવી છે. શહેરના સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિસ્તારોમાંથી મળેલી ફરિયાદો બાદ લેવામાં આવેલા પાણીના નમૂનાઓ પૈકી 13 સ્થળોના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટમાં ફેલ જાહેર થયા છે. જોકે, તંત્રએ તમામ સ્થળોએ યુદ્ધના ધોરણે સમારકામ કરી દીધું હોવાનો દાવો કર્યો છે.
8147 સ્થળોએ પાણીના ક્લોરિન ટેસ્ટ કરાયા પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાની વોટરવર્કસ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીના નમુના મેળવી તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ગત એપ્રિલ માસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ, સમગ્ર એપ્રિલ મહિનામાં શહેરના ત્રણેય ઝોનમાં કુલ 8147 સ્થળોએ પાણીના ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 207 સ્થળોએ પાણીના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ અને 29 સ્થળોએ કેમિકલ પેરામીટર્સની ચકાસણી માટે લેબોરેટરી ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન 13 સ્થળોએ પાણીમાં જોખમી બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ લાઇનનું દૂષિત પાણી ભળી રહ્યું હતું.