રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી જોજન દૂર છે. આજે પણ શહેરના અનેક છેવાડાના વિસ્તારો પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ રાજકોટના વોર્ડ નંબર 11, 12 અને 18માં સ્થિતિ સ્ફોટક બની છે, જ્યાં લોકોએ પાણી માટે સંપૂર્ણપણે ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે.
વેસ્ટ ઝોનમાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં જળસ્તર ઘટતા હાલાકી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11 અને 12માં જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે. આ વિસ્તારોમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગોના જૂના બોર હવે ડુકી ગયા છે, અને જે કાર્યરત છે તેમાં ક્ષારયુક્ત બિન-પીવાલાયક પાણી આવી રહ્યું છે. વેસ્ટ ઝોનના અંદાજે 16 વિસ્તારો પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. લગભગ 28,277 ફ્લેટ ધારકોને દરરોજ 3,60,000 લીટર પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવે છે. પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં મનપા તંત્રની નિષ્ફળતા અહીં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
પૂર્વ રાજકોટની સ્થિતિ પશ્ચિમ કરતા પણ વધુ ગંભીર છે. વોર્ડ નંબર 18, વાવડી અને લક્ષ્મીના ધોળા જેવા વિસ્તારોમાં હજુ સુધી મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. ડંકીઓ ડુકી જવાને કારણે ગરીબ પરિવારો અને મહિલાઓને માથે બેડા લઈને દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કરના ટેન્ડરો તો બહાર પડાયા છે, પરંતુ મંછાનગર અને આસપાસના વિસ્તારોમાં એજન્સીઓ દ્વારા સમયસર પાણી ન પહોંચાડવાની ફરિયાદો ઉઠી રહી છે.