લખનઉ સુપર જાયન્ટ્સે IPLમાં સતત 6 હાર બાદ આખરે જીત મેળવી છે. લખનઉએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું છે. ઇકાના સ્ટેડિયમમાં ગુરુવારે વરસાદના કારણે મેચ 19-19 ઓવરની રમાઈ હતી. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા લખનઉએ નિર્ધારિત ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવ્યા હતા. DLS પદ્ધતિ મુજબ ટાર્ગેટ સુધારીને 213 રન કરવામાં આવ્યો હતો. જવાબમાં બેંગલુરુની ટીમ 6 વિકેટે 203 રન જ બનાવી શકી હતી.
મિચેલ માર્શે 111 રનની ઇનિંગ રમી
લખનઉ તરફથી ઓપનિંગમાં આવેલા મિચેલ માર્શે 111 રનની શાનદાર સેન્ચૂરી ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને 38 રન અને કેપ્ટન રિષભ પંતે અણનમ 32 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલુરુ તરફથી જોશ હેઝલવૂડ, કૃણાલ પંડ્યા અને રાસિખ સલામને એક-એક વિકેટ મળી હતી.
વરસાદને કારણે મેચમાં ત્રણ વખત ખલેલ પડી હતી. પ્રથમ વખત 9 બોલ બાદ મેચ રોકવી પડી. ત્યારબાદ 9 ઓવર પછી અને ત્રીજી વખત 14મી ઓવર પછી વરસાદ આવતા મેચ રોકાઈ હતી. આ સંજોગોમાં ઓવરોમાં કાપ મૂકવામાં આવ્યો છે અને મેચને 19-19 ઓવરની કરી દેવામાં આવી હતી.
બંને ટીમોની પ્લેઈંગ-XI:
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, રાસિખ સલામ, જોશ હેઝલવુડ.
લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, એડન માર્કરામ, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, દિગ્વેશે સિંહ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ.