રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ગોવિંદભાઇ આસોદરીયા (ઉ.વ.75) નામના વૃધ્ધ ગઈકાલે રાત્રે પોતાના ઘરેથી ચાલવા નીકળ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે વૃધ્ધને ટક્કર મારી હતી. જે બાદ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જો કે આસપાસના લોકોએ 108 મારફત વૃદ્ધને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોવિંદભાઈને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા. ઘરના મોભીના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
રિક્ષામાંથી રૂ.1.09 લાખના ગાંજા સાથે બે ઝડપાયા શહેર SOG ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે કુવાડવા-વાંકાનેર રોડ પર સણોસરા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જીજે.03.સીટી.6247 નંબરની ઓટો રિક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી 2.193 કિલોગ્રામ પ્રતિબંધિત માદક પદાર્થ ‘ગાંજો’ મળી આવ્યો હતો. જેથી પોલીસે યાદવનગરના શરદ ઉર્ફે શિવો ભરખડા (ઉ.વ.30) અને આજીડેમ વિસ્તારના સોયબ ચૌહાણ (ઉ.વ.29)ની ધરપકડ કરી ગાંજાના જથ્થા ઉપરાંત રૂ.2 લાખની ઓટો રિક્ષા, બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.3.20 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સોલાર પેનલના નામે ઠગાઈ આચરતી ટોળકી સામે વધુ એક ફરિયાદ ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત ઓક્ટોબર 2025માં ફેસબુક પર ‘ઇન્ટિફાય સોલાર’ નામની કંપનીની સોલાર પેનલ માટેની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતના આધારે સંપર્ક કરતા આરોપી ધીરજભાઈએ બજાર ભાવ કરતા સસ્તામાં સોલાર પેનલ નાખી આપવાની ખાતરી આપી હતી અને રૂ.1,48,000નું કોટેશન આપ્યું હતું. જેમાં લોન કરાવવાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદીની પત્નીના દસ્તાવેજો મેળવ્યા હતા. આ પછી બજાજ ફાઈનાન્સમાંથી રૂ.1,31,000ની લોન મંજૂર કરાવી તે નાણાં કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ફરિયાદી પાસેથી વધારાના રૂ.16,000 સ્કેનર દ્વારા ઓનલાઈન મેળવી લેવામાં આવ્યા હતા. કુલ રૂપિયા 1,48,000 મેળવી લીધા બાદ પણ સોલાર પેનલ ફિટ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું ન હતું. જ્યારે ફરિયાદીએ કામ માટે ઉઘરાણી કરી ત્યારે આરોપીઓએ અવારનવાર બહાના કાઢીને ફોન બંધ કરી દીધા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ કંપનીના માલિકો કાનાભાઈ બદિયાવદરા, હિરેનભાઈ લાઠિયા અને ચેતનભાઈ પાનખાણીયા છે. હાલ આજીડેમ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.