ગુજરાતમાં મેં મહિનાની શરૂઆત સાથે જ ગરમીએ તેનો અસલી રંગ બતાવવાની શરૂઆત કરી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી આસપાસ અને તેને પાર ગરમીનો પારો પહોંચતા લોકો અકળાયા છે. આજે સતત બીજા દિવસે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું. સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું. જ્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં પણ 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચતા લોકો અકળાયા હતા. હવામાન વિભાગના મતે આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે રાજ્યમાં 40 થી 43 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની આસપાસ ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. જેનો કોઈ વિશેષ પ્રભાવ ગુજરાત પર થશે તેવી કોઈપણ પ્રકારની સંભાવના નથી. તેમજ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી. કેટલાક શહેરમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સાત દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. આજે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
પવનની દિશા બદલાઈ હોવાથી રાજ્યના નાગરિકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. આજમાં દિવસમાં તાપમાનમાં કોઈપણ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા પવન ગરમ અને સૂકા હોવાથી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળી રહ્યો નથી. જો કે મેં મહિનામાં શરૂઆતથી જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન જ નહીં રાત્રે પણ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
અમદાવાદમાં દર 1 મીટરે 100વોટના 11 બલ્બ જેટલો તાપ અમદાવાદમાં સૂર્યનાં કિરણોની તીવ્રતા 1100 વોટ પ્રતિ સ્ક્વેર મીટર પર પહોંચી છે. સરળ ભાષામાં કહીએ તો આપણી અગાશી કે રસ્તા પર દર એક મીટરના વિસ્તારમાં 100 વોટના 11 બલ્બ એકસાથે જેટલી ગરમી આપે, તેટલો તાપ અત્યારે આકાશમાંથી વરસી રહ્યો છે. હવામાન વિભાગના ‘સનશાઇન રેકોર્ડર’ (સૂર્યનાં તાપની તીવ્રતા માપવાનું સાધન)માં આ ચોંકાવનારી વિગત સામે આવી છે.