રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પડોશમાં જ રહેતાં 60 વર્ષીય નરાધમ રૂ.10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક વાડામાં લઈ ગયો હતો. જે બાદ નરાધમ દેવા અજાગીયાએ પોતાના અને બાળકીના કપડા ઉતારી બાળકીના શરીરે અડપલા કરવા લાગ્યો હતો. જોકે બાદમાં બાળકીએ તેની સઘળી હકીકત પોતાની માતાને જણાવતા માતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
રાજકોટ ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, ગત તા.1 મે,2026 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના સરધાર ગામમાં મજુરી કામ કરતા આરોપી દેવાભાઈએ 10 વર્ષની બાળકીને રૂ.10 આપી વાડામાં લઈ ગયા હતા. જે બાદ શારીરિક અડપલા કર્યા હતા જેમાં છાતી પર હાથ ફેરવ્યો હતો. ખરાબ કૃત્ય કરતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં BNS 75, 2(76) તેમજ પોક્સો એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે. માતાને બાળકીની બહેનપણી મારફત ખબર પડી હતી. આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી દેવાભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં છે.