90 શાળાનાં 24,000 બાળકોનાં જઠરાગ્નિ ઠરે છે

રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 90 શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 24,000 બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજકોટમાં એક હાઈ-ટેક સેન્ટ્રલાઈઝ્ડ કિચન કાર્યરત કરવામાં આવ્યું છે. શાસ્ત્રી મેદાન પાસે આવેલું આ રસોડું ટેકનોલોજી અને સેવાનું અદભૂત ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં 1 કલાકમાં 20,000 રોટલી તૈયાર થાય છે.

શાકભાજી કટિંગ, અનાજ સાફ કરવામાં આધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને તૈયાર થયેલું પૌષ્ટિક ભોજન ગણતરીના કલાકોમાં હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. દરરોજ સરેરાશ બે હજાર કિલોથી વધુ ભોજન અહીં તૈયાર કરાય છે, જ્યારે રોટલી પીરસવાની હોય ત્યારે આંકડો વધીને 3,000 કિલો (અંદાજે 3 ટન) સુધી પહોંચે છે.

ઉલ્લેખનીય છે કે, બાળકો રાષ્ટ્રનું ભાવિ છે અને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે ઉત્તમ સ્વાસ્થ્ય પણ એટલું જ અનિવાર્ય છે. આ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન) અને મુખ્યમંત્રી પૌષ્ટિક આલ્પાહાર યોજના કાર્યરત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *