ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની UG NEET (અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા લેવાઈ હતી. જેમાં દેશમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આજે ઉનાળાના આકરા તાપમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ કસોટી થઈ હતી.
વિદ્યાર્થી યુવરાજ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને NEET ની પરીક્ષા આપવા માટે આવ્યો છું અને ખૂબ જ સારી તૈયારી છે. જેના માટે બે વર્ષ મહેનત કરી છે. ભવિષ્યમાં MBBS કરવાની આશા છે. ક્લાઈમેટ ચેન્જ થાય તે રીતે તડકો તો વધવાનો જ છે પરંતુ તેનાથી પરીક્ષામાં કઈ ફેર નહિ પડે. મારા પરિવારમાંથી કોઈ મેડિકલ લાઈનમાં નથી એટલા માટે જ આ ક્ષેત્રમાં મેં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે મોરબી નિર્મલ વિદ્યાલયના બાયોલોજીના શિક્ષક ભાર્ગવ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ અને પેરામિડિકલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12 માં ડે ટુડે વર્ક કરે છે તેઓને સો ટકા સારું રિઝલ્ટ આવે છે.
રાજકોટ શહેરમાં 12 કેન્દ્રો પર 5,568 વિદ્યાર્થીઓ છે. જેમાં 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. જેમાં પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત આજે બપોરે 3 થી 6 ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની પ્રિલિમ્સ પરીક્ષા હતી. જેમાં સૌરાષ્ટ્રના 33,303 ઉમેદવારોની રાજકોટમાં પરીક્ષા હતી. આ પ્રિલિમ્સ પરીક્ષામાં 0.25 માઈનસ સિસ્ટમ રાખવામાં આવી છે.