ગુજરાત ટાઇટન્સે IPLમાં રવિવારની બીજી મેચમાં ટેબલ ટૉપર પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું છે. ટીમે સતત ત્રીજી મેચમાં જીત મેળવી છે, જ્યારે પંજાબે સતત બીજી મેચ ગુમાવી છે. આ હાર છતાં પંજાબ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર યથાવત છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. ગુજરાતે 164 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. સુંદરે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.
સાઈ સુદર્શને ફિફ્ટી ફટકારી, બટલર સાથે મહત્વની ભાગીદારી કરી
રન ચેઝમાં ગુજરાતે 16 રનના સ્કોર પર કેપ્ટન શુભમન ગિલ (5 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. તેને અર્શદીપ સિંહે કેચ આઉટ કરાવ્યો હતો. અહીંથી સાઈ સુદર્શને મોરચો સંભાળ્યો હતો. તેણે જોસ બટલર સાથે મળીને સ્કોર 69 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ નિશાંત સિંધુ સાથે મળીને ટીમને 100 રનને પાર પહોંચાડી હતી. જ્યારે સુદર્શન આઉટ થયો ત્યાં સુધીમાં ટીમ 124 રનના સ્કોર સુધી પહોંચી ગઈ હતી. બાકીનું કામ વોશિંગ્ટન સુંદર અને રાહુલ તેવટિયાએ પૂરું કર્યું હતું.
પંજાબની ટીમે 47 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી સૂર્યાંશ શેડગેએ માર્કસ સ્ટોઇનિસ સાથે મળીને 44 બોલમાં 79 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.
શેડગેએ 29 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સ્ટોઇનિસ 40 રન બનાવીને આઉટ થયો હતો.