જામનગર રોડ પર લાઈન લીક થતા પાણી રસ્તા પર વહેતુ થયું, સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. શહેરના વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર સાંઢિયા પુલ પાસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન અચાનક લીક થતા રસ્તા પર ગટરના દૂષિત પાણીનો રીતસરનો ધોધ વહેતો થયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. કલાકો સુધી રસ્તા પર ગંદુ પાણી વહેતું રહ્યું હોવા છતાં તંત્રના અધિકારીઓ મોડા જાગતા પ્રજાની હાલાકીમાં વધારો થયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર રોડ એ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે, જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. સાંઢિયા પુલ પાસે ગટરની લાઈન ફાટતા અથવા બ્લોકેજ થતા ગંદા પાણીએ આખા રસ્તાને બાનમાં લીધો હતો. વાહનચાલકોને ગંદા પાણીના ખાબોચિયામાંથી પસાર થવું પડ્યું હતું, જેને કારણે અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થતા બચ્યા હતા. દૂષિત પાણીના ફુવારા ઉડતા હોવાથી રાહદારીઓના કપડાં પણ બગડ્યા હતા. સૌથી ગંભીર બાબત એ હતી કે ગટરના પાણીની અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *