લોધિકાના વીરવા ગામે શ્રમિકે ઓરડીમાં લૂંગી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

લોધિકાના વીરવા ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડીમાં રહી મજૂરીકામ કરતા ઉત્તર પ્રદેશના 28 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આપઘાતના 12 કલાક બાદ શ્રમિકનો મૃતદેહ મળી આવતા તે કોહવાયેલી હાલતમાં હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્ની સાથે ફોન પર થતી રકઝક મોતના કારણ પાછળ જવાબદાર હોવાની શંકા સેવવામાં આવી રહી છે.પોલીસે મૃતકની પત્નીને નિવેદન માટે બોલાવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર વીરવાની ડીએન એન્જિનિયરિંગની ઓરડીમાં એક વર્ષથી રહેતા શાહબુદ્દીન નિસારઅહેમદ ઈદ્રીશ (ઉંમર 28) સોમવારે રાત્રે ઓરડીમાં ગયા બાદ મંગળવારે બપોરે પણ બહાર ન આવતા અને જમવા ન પહોંચતા સાથી કર્મચારીઓ તપાસ કરવા ગયા હતા. સાંજે 6 વાગ્યે રૂમનો દરવાજો ખોલતા શાહબુદ્દીન લૂંગીના ફાંસે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તપાસનીશ જમાદાર સુરેશભાઇએ જણાવ્યું હતું કે, “મૃતદેહ કોહવાઈ ગયો હતો, એટલે કે 12 કલાકથી વધુ સમય પહેલા જ આપઘાત કરી લીધો હોવાનું જણાય છે. હાલ પત્નીને નિવેદન માટે તેડાવવામાં આવી છે.’

તપાસમાં મોટો ખુલાસો: પત્ની સાથે અવારનવાર માથાકૂટ થતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શાહબુદ્દીન છેલ્લા એક વર્ષથી અહીં નોકરી કરતો હતો. તેના સાથી શ્રમિકોએ જણાવ્યું કે, તેની પત્ની વતનમાં રહેતી હતી અને તેની સાથે મોબાઈલ પર વારંવાર ઝઘડા થતા હતા. આ માનસિક તણાવમાં તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

પરિવારમાં શોક: મૃતદેહ વતન ઉત્તર પ્રદેશ લઈ જવા તજવીજ બનાવની જાણ થતા જ મુંબઈ રહેતા મૃતકના માસા અને મામાનો દીકરો રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને વતન ઉત્તર પ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોધિકા પોલીસે હાલ આ મામલે વધુ તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *