રાજકોટના રેલનગરમાં 16.15 લાખની ઉઘરાણીના મુદ્દે ધાતક હથિયારો સાથે જીવલેણ હુમલો, 9 ઘવાયા

રાજકોટના રેલનગરમાં રવિવારે મોડી રાત્રે ઉછીના આપેલા રૂ.16.15 લાખની ઉઘરાણીના મુદ્દે મારામારીમાં આઠ જેટલા યુવાનો અને એક વૃદ્ધ લોહીલુહાણ થયા છે. સુરેન્દ્રનગરથી પૈસા લેવા આવેલા શિવપાલસિંહ અને તેમના મિત્રો પર ‘મોન્ટુ’ અને તેની ગેંગે ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં શિપાલસિંહ ઝાલા, રઘુવીરસિંહ ઝાલા, યશરાજસિંહ ઝાલા, યશરાજસિંહ જાડેજા, આયુષ રામાનુજ, ધર્મરાજસિંહ ઝાલા, ઋતુરાજસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા સહિત 9 વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચતા 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે પિસ્તોલ સહિતના હથિયારો સાથે હુમલો કરનારા 15 શખસો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બે શખ્સના હાથમાં પિસ્તોલ જેવા હથિયાર દેખાતા ભય હુમલાખોરો જ્યારે ચાર લક્ઝરી કારમાં (ક્રેટા, સ્કોર્પિયો, હાઈરાઈડર અને મર્સિડીઝ) ધસી આવ્યા ત્યારે મોન્ટુભાઈ અને ખુમાનસિંહના હાથમાં પિસ્તોલ જેવા હથિયાર જોઈને હાજર યુવાનો સ્તબ્ધ થઈ ગયા હતા. હુમલાખોરોએ પિસ્તોલ બતાવીને ધાક ધમકી આપી હતી અને અન્ય શખ્સોએ પાઇપ તથા છરી વડે આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું.

વૃદ્ધ પિતા વ્હારે આવ્યા તો તેમના પર પણ પાઇપથી હુમલો યશરાજસિંહના પિતા રઘુવીરસિંહ ઝાલા પોતાના પુત્ર અને તેના મિત્રોને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે નરાધમ હુમલાખોરોએ તેમને પણ નહોતા છોડ્યા. રઘુવીરસિંહને કાનના ભાગે ગંભીર ઈજા થતા ટાંકા લેવા પડ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે ધમકી આપી હતી કે ‘આજે તો બચી ગયા છો, હવે સામે આવ્યા તો જાનથી મારી નાખીશું’. પોલીસેશિવપાલસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદ પરથી હુમલાખોર મોન્ટુ, ખુમાનસિંહ જાડેજા, ધમો ઉર્ફે છરી રીક્ષાવાળો અને 12 અજાણ્યા શખસો સામે હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ, રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ પ્ર.નગર પોલીસ ચલાવી રહી છે.

સમગ્ર મામલો શું છે? ફરિયાદી શિવપાલસિંહ ઝાલાએ જામનગરના યોગીરાજસિંહ જાડેજાને મિત્રતાના દાવે 16.15 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આ રકમ પરત માંગતા યોગીરાજસિંહે મોન્ટુ નામના શખસ સાથે ફોન પર વાત કરાવી હતી. મોન્ટુએ ફરિયાદીને ફોનમાં ગાળો આપી ધમકી આપી હતી કે ‘પૈસા ભૂલી જજો’. આ બાબતે સમાધાન માટે રેલનગર સમર્પણ ચોક પાસે બોલાવીને પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *