રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે બાપુનગર સ્મશાન પાસેથી એક રીઢા તસ્કરને દબોચી લીધો છે. જંક્શન પ્લોટમાં રહેતો ઘનશ્યામ કાનજિયાણી નામનો આ શખ્સ લોકોના ઘર આંગણેથી સાઇકલો ચોરવાની ટેવ ધરાવતો હતો. પોલીસે તેની પાસેથી કુલ 10 સાઇકલ કબજે કરી ત્રણ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે.
ભક્તિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે બાપુનગર સ્મશાન પાસે એક શખ્સ શંકાસ્પદ રીતે સાઇકલ વેચવા ફરે છે. પોલીસે વોચ ગોઠવી ઘનશ્યામ ભોજમલ કાનજિયાણીને અટકાવી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી.
એક મહિનામાં 10 સાઇકલ ચોરી હતી આરોપીએ છેલ્લા એક જ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી 10 જેટલી સાઇકલ ચોરી હોવાનું કબૂલ્યું છે. પોલીસે તેની પાસેથી રૂપિયા 29,700ની કિંમતની 10 સાઇકલ રિકવર કરી છે. આ પકડાયા બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે.
આ સફળ કામગીરીમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે. ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે કે તેણે અન્ય કયા વિસ્તારોમાં હાથફેરો કર્યો છે.