રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે એક જ દિવસ બાકી છે ત્યારે IPL ના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રાજકોટિયન્સને મતદાનની અપીલ કરી હતી. આ સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ કમિશનર દ્વારા ચૂંટણી સંબંધીત જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો મતદાન મથકની આસપાસ 200 મીટરના વિસ્તારમાં હેલ્પીંગ બૂથની મનાઈ છે તો ચૂંટણી સબંધિત ફરિયાદ માટે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટના વતની જાણીતા ક્રિકેટર અને રાજ્ય ચૂંટણીપંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પુજારાએ રાજકોટિયન્સને 26મી એપ્રિલ ને રવિવારે ચૂંટણીમાં મતદાન કરવા ખાસ અપીલ કરી છે. IPLના અતિ વ્યસ્ત શિડ્યૂલ વચ્ચે ચૂંટણીમાં મતદાનની અપીલ કરતા ચેતેશ્વર પુજારાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, તા.26મી એપ્રિલ, 2026 ને રવિવારના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં આપનો કિંમતી અને પવિત્ર મત આપજો અને લોકશાહીના પર્વને સફળ બનાવજો.
મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર મનાઈ રાજકોટ શહેરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સમયે કાયદો-વ્યવસ્થા જાળવવા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા મતદાન મથકો તેમજ આસપાસના 100 મીટરના વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં મોબાઈલ સહિતના સંદેશા વ્યવહારના વીજાણુ માધ્યમો મતદાન મથકમાં લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગે જારી કરાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.26 મી એપ્રિલના રોજ મતદાન મથક તેમજ તેની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે તેમના એજન્ટો દ્વારા મત માટે પ્રચાર કરી શકાશે નહીં.